જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ધ્રોલ, જોડિયા-જાંબુડા વિસ્તારમાંથી રેતી ભરેલા 13 ટ્રક પર કાર્યવાહી કરાઈ છે. એસપી પ્રેમસુખ ડેલુએ ખનીજ ચોરી રોકવા માટે પોલીસ ટીમને કડક કાર્યવાહીની સૂચના આપી હતી. આ સૂચના બાદ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એસઓજી પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રોયલ્ટી વગર અને ઓવરલોડ રેતી ભરેલા 13 ટ્રક જપ્ત કર્યા છે.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ, એસઓજી પોલીસ ઇન્સપેક્ટર બી.એન.ચૌધરી અને પીએસઆઈ એલ.એમ.ઝેરની આગેવાનીમાં ટીમે ખાણ-ખનીજ વિભાગ સાથે મળીને આ કાર્યવાહી કરી. પંચ ‘એ’, પંચ ‘બી’, ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા.
ખીજડિયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી 8 ટ્રક, ઠેબા ચોકડી અને મોરકંડા પાટિયા વિસ્તારમાંથી 2 ટ્રક તેમજ જોડિયાના હડિયાણા ગામ પાસેથી 3 ટ્રક પકડી પાડવામાં આવ્યા. આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાંગડા ગામના પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં 350 ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો.