ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં 10 હજારથી વધુ લોકોએ હાજરી આપીને યોગ કર્યા હતા.
એમાં 5 વર્ષથી બાળકીથી લઈને 92 વર્ષનાં દાદીએ યોગ કરી યુવાઓને યોગ કરવા માટે પ્રેરણા આપી હતી. એમાં યોગ કરતાં એક દાદીએ કહ્યું હતું કે સવારે 4 વાગ્યે ઊઠી દોઢ કિલોમીટર ચાલુ છું, કોઈ ગોળી ગળતી નથી. મારો 100 વર્ષ જીવવાનો ટાર્ગેટ છે.
આ યોગ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી તરીકે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી. યોગસેવક શિશપાલ રાજપૂત અને યોગ બોર્ડના સભ્યો દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને આંતરિક ઊર્જા પ્રાપ્ત કરવા માટે યોગ અને પ્રાણાયામના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

યોગના માધ્યમથી ‘Fat to Fit’ થવાની દિશા તરફ જવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીવનશૈલીમાં યોગને સામેલ કરીને ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને ઘૂંટણના દુખાવા જેવી બીમારીઓથી બચવા દરેક વ્યક્તિને વધુમાં વધુ લોકો સુધી યોગની અસરકારકતા પહોંચાડવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી.
92 વર્ષીય વિલાસબેન મોદીએ જણાવ્યું હતું કે મારો દીકરો દુષ્યંત મોદી છેલ્લાં 40 વર્ષથી ગામેગામ જઈને લોકોને યોગ શીખવાડે છે અને હું છેલ્લાં 25 વર્ષથી નિયમિત યોગ કરું છું. મને ગુજરાત સરકાર તરફથી 5000 રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું.
હું બાલ મંદિરમાં શિક્ષિકા હતી ત્યારે બાળકોને યોગ શીખવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂને યોગ દિવસે બધાને યોગ કરતા શીખવી દીધા છે, ઘણા બધા દેશોએ યોગનો અમલ કરી દીધો છે, જેથી બધા લોકોએ યોગ કરવા જોઈએ.