Gujarat

યુદ્ધ એ ઉકેલ નથી, પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અેને સબક શીખવાડવું જરૂરી

વાવ-સુઈગામના લોકોમાં યુદ્ધવિરામ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. એક તરફ લોકો પાકિસ્તાન સામે સખત પગલાંની માગણી કરે છે, તો બીજી તરફ કેટલાક યુદ્ધ ટાળીને શાંતિપૂર્ણ ઉકેલને વધુ યોગ્ય માનતા નજરે પડ્યા હતા.

પાકિસ્તાનના કાશ્મીરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. તેના પગલે પાકિસ્તાને ભારતની વિવિધ સરહદો પર ગોળીબાર તથા છમકલા શરૂ કર્યા હતા. છેલ્લા પાંચ દિવસથી યુદ્ધસમાન તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

શનિવારે સાંજે પાંચ વાગ્યે ભારત સરકારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના લોકો યુદ્ધ વિરામ અંગે કેવી રીતે વિચારે છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો, જેમાં નાગરિકોમાં જુદાજુદા અભિપ્રાયો જોવા મળ્યા હતા. કેટલાક નાગરિકોએ યુદ્ધને યોગ્ય ગણાવ્યું હતું.માવસરી ગામના સરપંચ પ્રકાશ વ્યાસે જણાવ્યું કે, “પાકિસ્તાન સતત આતંકવાદને શય આપતું રહ્યું છે.

આતંકવાદીઓના ઠેકાણાઓને નાશ કરવા માટે અને ભારતની સુરક્ષા માટે યુદ્ધ જરૂરી હતું.” તેમણે ઉમેર્યું કે, “ભારતના જવાનો પાકિસ્તાનની અવળચંડાઈના કારણે શહીદી વોરી રહ્યાં છે. આવી સ્થિતિમા એક વખત પૂરતી સખત કાર્યવાહી કરવી જોઈતી હતી.” તેમણે ઉમેર્યુ કે, “પાકિસ્તાન આતંકવાદીઓનો આશરો બની ગયું છે.

છાસવારે સૈનિકો અને નિર્દોષ નાગરિકોનો જીવ જાય છે, એ અસહ્ય છે.” જ્યારે બીજી તરફ ઘણા નાગરિકોએ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું હતું.રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી. પાકિસ્તાન માટે કદાચ મોટું નુકશાન ન બને, પણ ભારત માટે, ખાસ કરીને સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકો માટે, ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય.

” તેઓએ ઉમેર્યું કે, “લોકોને પોતાના ઘરો છોડી ક્યાંક જવું પડે, ઢોરઢાંકર માટે ભોજનની સમસ્યા થાય, ખોરાક, પાણી અને આશ્રય માટે સરકારને પણ મોટી વ્યવસ્થા કરવી પડે. એ ઉપરાંત આપણા સૈનિકોનું જે પ્રાણહાનિ થાય છે એ આખા દેશમાં દુઃખદ છે. સીઝ ફાયર બાદ વાવ સુઈગામ પંથકમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.