ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ગુજરાતનાં પાટનગર- ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણા દેશમાં ન્યાય આધારિત સામાજિક વ્યવસ્થા શ્રેષ્ઠ માનવામાં આવે છે. વારસા અને વિકાસને જાેડીને આપણે ન્યાય આધારિત વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૃહ મંત્રાલયે ફોરેન્સિક સાયન્સની ભૂમિકાને મજબૂત કરવા અને આ ક્ષેત્રમાં સુવિધાઓ અને ક્ષમતા વિકસાવવા માટે ઘણા અસરકારક પગલાં લીધાં છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોઈપણ ન્યાય વ્યવસ્થા ત્યારે જ મજબૂત માનવામાં આવે છે, જ્યારે તે ખરેખર સમાવિષ્ટ હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેમનો ધ્યેય સમાજના તમામ વર્ગોને, ખાસ કરીને નબળા અને વંચિત વર્ગોને ફોરેન્સિક પુરાવાના આધારે નિષ્પક્ષ અને ઝડપી ન્યાય પૂરો પાડવાનો હોવો જાેઈએ. તેમણે વિદ્યાર્થીઓને દેશના સુશાસનમાં યોગદાન આપવાનો આગ્રહ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનને કારણે, ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રોમાં, ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોની ક્ષમતાઓ વધી રહી છે. પરંતુ સાથે જ ગુનેગારો પણ નવી રીતો શોધી રહ્યા છે. આપણી પોલીસિંગ, પ્રોસિક્યુશન અને ફોજદારી ન્યાય વિતરણ પ્રણાલી સાથે સંકળાયેલા લોકો ગુનેગારો કરતાં વધુ સ્માર્ટ, વધુ ઝડપી અને સતર્ક રહીને જ ગુનાને નિયંત્રિત કરવામાં અને ન્યાય સુલભ બનાવવામાં સફળ થઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના યોગદાનથી એક મજબૂત ફોરેન્સિક સિસ્ટમ વિકસિત થશે, દોષિત ઠેરવવાનો દર વધશે અને ગુનેગારો ગુના કરવાથી ડરશે.