તા. ૧ માર્ચ થી ૭ માર્ચ થશે જન ઔષધિ સપ્તાહની ઉજવણી
તા. ૧ માર્ચના રોજ ગાંધીનગર ખાતે જન ઔષધિ જન ચેતના પદયાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરીકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતભરમાં કૂલ ૧૫૦૦૦થી વધુ જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જીકલ આઇટમ બજારકિંમત કરતા ૫૦% થી ૯૦% સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા ૮૦થી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. સંચાલિત ગાંધીનગરમાં આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે. જન ઔષધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા સવારે ૦૯ઃ૦૦ વાગ્યે ભારત માતા મંદિર, સેકટર-૭થી શરૂ થશે અને ઘ-૨ સર્કલ થઈને પથિકાશ્રમ થઇ સિવિલ હોસ્પિટલ સુધી જશે. જેમાં જન ઔષધિની વિવિધ દવાઓ અને સર્જીકલ આઈટમ વિષે લોકોને જાણકારી પણ આપવામાં આવશે.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષીણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ તથા સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પદયાત્રામાં સામાન્ય નાગરીકોને પણ મોટી સંખ્યામાં જાેડાવવા માટે આમંત્રણ અને આહ્વાન કરવામાં આવ્યું છે.