દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવામાં વધુ એક મહત્ત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. વર્તમાન સમયમાં દર 100માંથી અંદાજે 40 વ્યક્તિઓ શ્વાસ અને ફેફસાંની બીમારીઓનો સામનો કરી રહી છે, ત્યારે ગંભીર શ્વસન સમસ્યાઓ અને ટીબી જેવા રોગોથી પીડાતા દર્દીઓને તાત્કાલિક અને સઘન સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી નવી સિવિલ ખાતે 10 બેડની અદ્યતન ‘રેસ્પિરેટરી આઈસીયુ’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા કિડની બિલ્ડિંગના 8મા માળે કાર્યરત ટીબી વોર્ડમાં આ નવનિર્મિત 10 બેડનું રેસ્પિરેટરી આઈસીયુ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધાનું વિધિવત ઉદ્ઘાટન ટીબી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ખ્યાતિબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા તેમજ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચેતન આચાર્ય સહિતનો તબીબી સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
આ નવા રેસ્પિરેટરી આઈસીયુમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને જીવનરક્ષક સારવાર મળી રહે તે માટે તમામ 10 બેડ પર અદ્યતન વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત અહીં સિરીંજ પમ્પ, મલ્ટી-પેરા મોનિટર, સોનોગ્રાફી મશીન, એક્સ-રે મશીન અને એ.બી.જી. મશીન જેવા આધુનિક તબીબી સાધનો વસાવવામાં આવ્યા છે. આ સુવિધાને કારણે અત્યંત ગંભીર દર્દીઓને તપાસ માટે અન્ય વિભાગમાં ખસેડવાની જરૂર નહીં પડે અને તેમના બેડ પર જ સોનોગ્રાફી, એક્સ-રે, ઈકો અને એ.બી.જી. જેવા મહત્ત્વના રિપોર્ટ થઈ શકશે. દર્દીઓની ચોવીસ કલાક દેખરેખ અને સતત સારવાર સુનિશ્ચિત કરવા માટે ખાસ સ્ટાફ નર્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

