માણાવદરના અનસૂયા ગૌધામ દ્વારા છેલ્લા ૫ વર્ષથી ગીર ગાયની શુદ્ધ છાશનું મફત વિતરણ: રોજના 100થી 150 લોકો લાભ છે
માણાવદરમાં આવેલ ‘અનસૂયા ગૌધામ’ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક પ્રશંસનીય ગૌસેવા અને જનસેવાનું કાર્ય ચાલી રહ્યું છે. અહીં સ્થાનિકો અને જરૂરિયાતમંદ લોકો માટે ગીર ગાયના દૂધમાંથી બનેલી શુદ્ધ છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સેવાનો લાભ અત્યાર સુધીમાં હજારો લોકો લઈ ચૂક્યા છે અને વર્તમાન સમયમાં પણ આ અવિરત સેવા ચાલુ જ છે.
સ્થાનિક રહેવાસી ઉમેદસિંહ ચુડાસમાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, બજારમાં કે ગામમાં પૈસા ખર્ચવા છતાં પણ આવી શુદ્ધ છાશ ક્યાંય મળતી નથી. સામાન્ય રીતે મળતી છાશ પાણીવાળી હોય છે, જ્યારે અનસૂયા ગૌધામમાં કોઈપણ જાતનું પાણી ઉમેર્યા વગર ગીર ગાયની એકદમ ઓરિજિનલ અને ઘટ્ટ છાશ લોકોને મફતમાં આપવામાં આવે છે. આ નિઃસ્વાર્થ ગૌસેવાના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ આશરે 100 થી 150 જેટલા લોકો આ પવિત્ર છાશનો લાભ લેવા માટે ગૌધામ ખાતે આવે છે.
આ અંગે વિગતો આપતા સેવાભાવી અનસૂયાબેન શેઠે જણાવ્યું હતું કે, ગીર ગાયની છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ અને પીવામાં બહુ જ મીઠી હોય છે. ભરઉનાળે લોકોને ઠંડક અને પોષણ મળી રહે તેવા આશયથી આ શુદ્ધ છાશનું વિતરણ તદ્દન મફત કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, આ છાશ વિતરણ કેન્દ્ર કોઈ પણ અટકાવ વગર છેલ્લા પાંચ વર્ષથી અવિરતપણે ચલાવવામાં આવી રહ્યું છે. ભયંકર ગરમી વચ્ચે મળતી ગીર ગાયની આ અમૃત સમાન છાશ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને અનસૂયાબેનની આ નિઃસ્વાર્થ લોકસેવાને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
રિપોર્ટ જીજ્ઞેશ પટેલ માણાવદર



