પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ₹27,000નો દંડ પણ કર્યો છે અને તેમાંથી પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આશરે એક વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના પિતાએ ધાર્મિક વિધિ અને ઈલાજ માટે પાલનપુરના ગઠામણ ગામના મૌલવી મહેબુબભાઈ સેલીયાને ઘરે બોલાવ્યા હતા. ઈલાજના બહાને આરોપી સગીરાના ઘરે એકાદ મહિનો રોકાયો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની તરફ આકર્ષિત કરી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.
ત્યારબાદ 24 ફેબ્રુઆરી, 2025ના રોજ સગીરા શાળામાં વિદાય સમારંભ માટે ગઈ હતી, જ્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડી પાલનપુર લઈ ગયો હતો. ત્યાંથી આબુરોડ અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓએ ફેરવી હતી. આ મુસાફરી દરમિયાન આરોપીએ ટ્રેનના શૌચાલયમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા ઘરે પરત ન ફરતાં તેના પિતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. તપાસ અધિકારી ASI રામદયાલ શર્મા અને PI જે.બી. આચાર્ય દ્વારા સગીરા અને આરોપીના કપડાં તેમજ તબીબી સેમ્પલો FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSL અહેવાલમાં સગીરાના કપડાં પરથી આરોપીના બ્લડ ગ્રુપ B ધરાવતું શુક્રાણુ મળી આવ્યું હતું. આ ઉપરાંત, આબુરોડ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ ડિજિટલ પુરાવા તરીકે રજૂ કરાયા હતા.

