જામનગર શહેરીજનોને પ્રદૂષણ મુક્ત અને અત્યાધુનિક પરિવહન સુવિધા આપવાના મોટા-મોટા દાવાઓ સાથે જામનગરમાં નવી 23 ઇલેક્ટ્રિક એસી સીટી બસ સેવાનો પ્રારંભ તો કરી દેવાયો છે, પરંતુ પહેલા જ દિવસથી આ પ્રોજેક્ટ તંત્રના અણઘડ આયોજનના કારણે વિવાદોમાં સપડાયો છે. મહાનગરપાલિકા દ્વારા સીટી બસ તરફ મુસાફરોને આકર્ષવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરીને આ લક્ઝુરિયસ બસો વસાવવામાં આવી છે.
પરંતુ આ લોકાર્પણની સાથે જ તંત્રનું કંગાળ આયોજન અને ભેદભાવભરી નીતિ પણ સપાટી પર આવી ગઈ છે. જામનગર શહેરમાં સીટી બસના કુલ 11 રૂટો કાર્યરત છે, જેમાંથી માત્ર 5 જ રૂટ પર આ નવી એસી ઈ-બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
જ્યારે બાકીના 6 મહત્વના રૂટોને આ આધુનિક સેવાથી તદ્દન વંચિત રાખી દેવામાં આવ્યા છે..! આ વંચિત રૂટો પર મુસાફરોએ આ કાળઝાળ ગરમીમાં હજુ પણ એ જ જૂની, ખખડધજ અને પ્રદૂષણ ફેલાવતી સીટી બસોમાં જ સફર કરવા મજબૂર બનવું પડશે.
સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જામનગરમાં સીટી બસનો ઉપયોગ કરતો વર્ગ પહેલેથી જ ખૂબ મર્યાદિત રહ્યો છે અને જૂની બસો પણ મોટેભાગે ખાલી દોડતી જોવા મળતી હતી. ત્યારે પૂરતા ગ્રાઉન્ડ સર્વે વગર શરૂ કરાયેલી આ અડધપડધી એસી બસ સેવાનો શહેરીજનો ખરેખર કેટલો લાભ લેશે..? ટેક્સ આખું શહેર ભરે છે તો સુવિધા અડધા શહેરને કેમ..? તંત્રના આ લૂલા આયોજન સામે હાલ જનતામાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
આ સીટી ઈ-બસને જામનગરના પ્રભારી અને મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રિવાબા જાડેજા, મેયર, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ લીલીઝંડી આપી હતી.

