જામનગરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશેષ ‘હથિયાર કેસ ડ્રાઇવ’નું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત કુલ 24 તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરાઈ હતી.
આ ડ્રાઇવ હેઠળ જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારો અને અગાઉ શરીર સંબંધી ગુનાઓ બન્યા હોય તેવા હોટસ્પોટને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. પોલીસે બજારમાં રેમ્બો છરીનું વેચાણ કરતા વેપારીઓ, ભૂતકાળમાં હથિયારના ગુનામાં પકડાયેલા ગુનેગારો અને ગેરકાયદેસર રીતે છરી કે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો રાખતા શંકાસ્પદ ઇસમો પર કડક નજર રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

આ ખાસ ડ્રાઇવને સફળ બનાવવા માટે પોલીસની વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી હતી. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ તેમજ સિટી ‘એ’, સિટી ‘બી’ અને સિટી ‘સી’ પોલીસ સ્ટેશનની ટીમોનો સમાવેશ થાય છે. આ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુલ 24 તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે અને પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

