રાજ્ય સરકારના “12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” કાર્યક્રમ હેઠળ લાલપુર મામલતદાર કચેરી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં લાલપુર તાલુકાના વિવિધ ગામોના અરજદારો અને લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરીને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગુજરાત ગ્રામિણ બેંક દ્વારા ગ્રામ્ય બેંકિંગ સેવાઓ, બચત ખાતા, વીમા યોજનાઓ અને નાણાકીય સમાવેશ અંગે માહિતી અપાઈ હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સ્માર્ટ મીટર યોજના અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપી લોકોને યોજનાનો લાભ લેવા અપીલ કરાઈ હતી.

આયુષ્માન ભારત અને આરોગ્ય વીમા યોજનાઓ, પ્રધાનમંત્રી કિસાન અને પશુપાલન કલ્યાણ યોજનાઓ, સામાજિક સુરક્ષા પેન્શન યોજના, વૃદ્ધ સહાય અને દિવ્યાંગ સહાય જેવી યોજનાઓ અંગે પણ માહિતી અપાઈ હતી. આધાર કાર્ડ તથા રેશન કાર્ડ સુધારણા સહિત આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો જેવી વિવિધ સેવાઓ માટે સ્થળ પર માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો હતો. અરજદારોની રજૂઆતો સાંભળી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાઓ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

