અસારવા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બીજું અને કુલ 263મું અંગદાન મળ્યું છે. 65 વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, સારવાર દરમિયાન 24 નવેમ્બરે તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘડીમાં પત્નીએ માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાનની સંમતિ આપી હતી. જેના પરિણામે 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું છે. આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે.
ત્રણ દર્દીઓનો જીવ બચાવી શકાય તેવા આશયથી અંગદાન 65 વર્ષીય પુરુષને 22 નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તબીબોની ટીમે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ 24 નવેમ્બરના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમે પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. સ્વજનને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પત્નીએ અન્ય ત્રણ દર્દીઓનો જીવ બચાવી શકાય તેવા આશયથી અંગદાનનો નિર્ણય લીધો હતો.
‘સમાજના દરેક વ્યક્તિએ અંગદાનનો સંકલ્પ લેવો જોઈએ’ આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. એક પરિવારના દુઃખની ઘડીમાં લેવામાં આવેલો નિર્ણય અન્ય ત્રણ પરિવારોના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. કોઈ પણ દર્દી અંગની રાહ જોતા જીવન ન ગુમાવે તે માટે સમાજના દરેક વ્યક્તિએ અંગદાનનો સંકલ્પ લેવો જોઈએ.

