સિહોર કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસમાં સજા ફટકારાયા બાદ લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટના આદેશ અનુસાર તેને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 10 જુલાઈ, 2026ના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં આરોપીને તેના રહેણાંકેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ હિતેશભાઈ વાલજીભાઈ મકવાણા (ઉં. 42), રહે. શક્તિનિવાસ, રેલવે હોસ્પિટલ પાછળ, પોપટભાઈની વાડી, ભાવનગર તરીકે થઈ છે. આરોપી સામે સિહોર સ્થિત એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમિનલ કેસમાં ભરણપોષણના ગુનામાં રૂ. 1.93 લાખ દંડ અથવા આઠ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી ફરાર રહેતા કોર્ટ દ્વારા તેની સામે એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

