એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં અગનભઠ્ઠી જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ હતી. આગામી 4 દિવસ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યો છે.
હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાનુસાર, એકસાથે સક્રીય થયેલી ચાર સિસ્ટમથી શહેરમાં હીટવેવ રહેશે. પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન, પવનની ગતિ ઓછી થતા અને શહેરમાં ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસર વર્તાઈ રહી છે. 13 મેએ અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રીય થતાં 50 કિલોમીટરની ગતિના પવન ફૂંકાઈ શકે છે.
ભાસ્કર નોલેજ : અર્બન હીટ આઈલેન્ડ શું છે? શહેરમાં કોંક્રીટના રસ્તા, ઇમારતો, વાહનો અને એસીના ઉત્સર્જનને લીધે ગરમી પાછી ફેંકાય છે, જેને ‘અર્બન હીટ આઈલેન્ડ’ કહે છે. આ સ્થિતિમાં તાપમાન અચાનક વધે છે, પણ અર્બન હીટ આઇલેન્ડની અસરથી ઝડપથી ઘટતું નથી, જેથી મોડી રાત સુધી ગરમી, બફારો રહે છે. ઇન્ડસ્ટ્રી, ઓછાં વૃક્ષ, ખુલ્લા વિસ્તારો આ કેટેગરીમાં આવી શકે.

