સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલ કેશવ સોપાનમાં ગત શનિવારે સાંજે એક ઓટોમોબાઈલ્સ પાર્ટની કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ આગ એટલી વિકરાળ હતી કે તેને બુઝાવવા માટે અમદાવાદ, સાણંદ, બાવળા અને ધોળકાની ફાયર ટીમોએ સતત 7 કલાક સુધી સંયુક્ત કામગીરી કરવી પડી હતી. શનિવારે સાંજે આશરે 6 વાગ્યાના સુમારે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રહેલો કિંમતી ઓટોમોબાઈલ્સનો સામાન બળીને ખાખ થવા લાગ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવા માટે અંદાજે 3 લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. સતત 7 કલાકના ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, તકેદારીના ભાગરૂપે રવિવારે વહેલી સવાર સુધી કુલિંગ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી હતી જેથી અંદર રહેલા કોઈ સ્પાર્કને કારણે ફરી આગ ન ભભૂકે.

