સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા દેવદિવાળીની ભેટ આપવામાં આવી છે. સુમુલ ડેરીની બોર્ડ મિટિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વસંમતિથી પશુપાલકોને અપાતા દૂધના ખરીદ ભાવમાં ગાય અને ભેંસ બંનેના દૂધમાં પ્રતિ કિલોફેટે 50નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
આ વધારો તાત્કાલિક અસરથી અમલી બનશે, જે અંતર્ગત અગાઉ 900 રહેલો ગાયના દૂધનો ભાવ વધારીને 950 અને 930 રહેલો ભેંસના દૂધનો ભાવ વધારીને 980 પ્રતિ કિલોફેટ કરવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ જ દૂધના વેચાણમાં ભાવમાં ₹1થી લઈને ₹6 સુધીનો ભાવ વધારો કરાયો હતો.
માર્ચ-2027 સુધીમાં ₹70 કરોડથી વધુની વધારાની આવકનો અંદાજ આ ભાવ વધારાનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને મળશે. ડેરીના અંદાજ મુજબ માર્ચ-2027 સુધીમાં પશુપાલકોને ₹70 કરોડથી વધુની વધારાની આવક થશે.
મોંઘા ઘાસચારા, પશુઆહારના વધતા ભાવ, અલનીનોની અસર તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પશુપાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

