જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં 28 ઓક્ટોબર, 2026ના રોજ 63મી ‘ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ 2026-27’નું સમાપન થયું. કેડેટ્સે ટ્રેક અને ફિલ્ડની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

સમાપન સમારોહમાં એરફોર્સ સ્ટેશન, જામનગરના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર શ્રેયાંશ કુમાર સિંઘ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સ્કૂલના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડેએ તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્ય અતિથિને સ્કૂલ કેપ અર્પણ કરવામાં આવી હતી. સ્કૂલના સ્પોર્ટ્સ કેપ્ટન કેડેટ આદિત્ય તોમરે સ્વાગત પ્રવચન આપ્યું હતું.
સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગ્રુપ કેપ્ટન જનમીત શર્મા વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેડેટ્સને ઇનામ, ચંદ્રક અને ટ્રોફી આપવામાં આવી હતી.

સિનિયર કેટેગરીમાં આંગ્રે હાઉસ અને સબ-જુનિયર કેટેગરીમાં શાસ્ત્રી હાઉસ વિજેતા બન્યાં હતાં. ટાગોર હાઉસના કેડેટ યુવરાજ જાડોનને સિનિયર કેટેગરીમાં અને સરદાર પટેલ હાઉસના કેડેટ સૌરભ કુમારને જુનિયર કેટેગરીમાં ‘શ્રેષ્ઠ એથ્લેટ’ જાહેર કરાયા હતા.

વોલીબોલમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે પ્રતાપ હાઉસના કેડેટ રુદ્ર ચૌધરી અને બાસ્કેટબોલમાં શિવાજી હાઉસના કેડેટ પ્રિયરાજ ચુડાસમાને ‘રામકૃષ્ણ રાવ મેમોરિયલ ટ્રોફી’ આપવામાં આવી હતી.

શિવાજી હાઉસના કેડેટ જયરાજ પંવારે હાઈ જમ્પમાં 1.54 મીટર કૂદીને સ્કૂલનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે અગાઉનો 1.52 મીટરનો રેકોર્ડ તોડ્યો હતો.

