ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM) હેઠળ જામનગર મહાનગરપાલિકાએ સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ 2026 યોજ્યો છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ તથા સ્વસહાય જૂથોને મદદ કરવાના હેતુથી મેળો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયો છે.

મેળો 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર, 2026 સુધી દરરોજ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અહીં નાગરિકો સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકે છે અને સ્થાનિક કલા-સંસ્કૃતિનો આનંદ માણી શકે છે.
મેળામાં વધુ નાગરિકોને જોડવા માટે ગત રાત્રે જામનગર મહાનગરપાલિકાએ ભજન જામિંગ ઉત્સવ યોજ્યો હતો. જય પરમાર, રીના ગજ્જર અને જયેશ દવેએ ભજનો તથા સંગીત રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મેળામાં સ્થાનિક કારીગરો, હસ્તકલાકારો, નાના ઉત્પાદકો, શહેરી ફેરિયાઓ, નાના વેપારીઓ અને મહિલા સ્વસહાય જૂથોને પોતાનાં ઉત્પાદનો બતાવવા અને વેચવા માટે જગ્યા આપવામાં આવી છે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદનોને બજાર મળે છે અને સ્વરોજગારીની તકો વધે છે. મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ હેતુ છે.

