ગુજરાતમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે આ મહાનગરપાલિકાઓને વિવિધ નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. મહેસૂલ વિભાગે જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપતો ઠરાવ કર્યો છે.
આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જમીન ખરીદવા પાછળ થનારા કરોડોના સંભવિત ખર્ચમાંથી રાહત મળશે અને વિકાસકાર્યો માટે જમીન મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. અગાઉ સરકારે જાહેરાત કરી હતી, ત્યારે આજે 23 નવેમ્બરે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, નિર્ધારિત હેતુઓ માટે એક હેક્ટર સુધીની સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાશે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની જરૂરિયાત હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. જમીન ફાળવણી માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે.
જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે ગૌચર જમીનની જરૂર પડે તો ગૌચર નીતિ મુજબ કાર્યવાહી કરવી પડશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગૌચર જમીન મેળવવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

