ગાંધીનગરના સેક્ટર-21 વિસ્તારમાં સેવાભાવીના સ્વાંગમાં વેપારી પાસેથી છરીની અણીએ રૂ. 50 લાખની ખંડણી વસૂલવા મામલે ગુનો નોંધાયા બાદ હવે ડિસમિસ પોલીસકર્મી આકાશ લલિતભાઈ પટેલની વધુ એક ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ચૂંટણીમાં રાજકીય મદદ અને ટિકિટ અપાવવાના બહાને પોરબંદર APMCના ચેરમેન પાસેથી પણ રૂપિયા 50 લાખ પડાવવાનો પ્રયાસ કર્યાનીની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સિનિયર નેતાના PAની ઓખળ આપી ફોન કર્યો, ગાંધીનગરમાં મળવા કહ્યું પોરબંદર જિલ્લાના બોરીચા ગામના રહેવાસી અને ખેતી તથા વેપાર સાથે જોડાયેલા 42 વર્ષીય લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે.
ગત 30 ઓક્ટોબરના રોજ તેઓ આદિત્યાણા ગામે સામાજિક પ્રસંગમાં હાજર હતા, ત્યારે બપોરના સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને સિનિયર નેતાના પી.એ. તરીકે ઓળખાવી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી 2027ની ચૂંટણીમાં રાજકીય મદદ કરવાની ખાતરી આપી હતી અને બીજા દિવસે ગાંધીનગર આવી આકાશ પટેલને મળવા જણાવ્યું હતું.
નંબર પ્લેટ વગરની કારમાં ફરિયાદીને તેડવા આવ્યો આ વાતચીત બાદ 31 ઓક્ટોબરના રોજ લખમણભાઈએ ગાંધીનગર આવીને આકાશ પટેલને વ્હોટ્સએપ કોલ કર્યો હતો. આકાશે તેમને નવા એમએલએ ક્વાર્ટરની બહાર બોલાવ્યા હતા, નંબર પ્લેટ વગરની ફોર-વ્હીલર કારમાં આવેલા શખસે પોતાની ઓળખ આકાશ પટેલ તરીકે આપી હતી. લખમણભાઈને કારમાં બેસાડીને તેણે પોતાને સિનિયર નેતાના પી.એ.નો માણસ ગણાવ્યો હતો. બાદમાં પી.એ.નું નામ આપી વિશ્વાસ કેળવી 2027નું ઈલેક્શન લડવું હોય તો હાલમાં રૂપિયા 50 લાખ આપવા પડશે, તેમજ ટૂંક સમયમાં પી.એ. સાથે મુલાકાત કરાવી આપશે તેમ જણાવ્યું હતું.

