સુરતથી પિયર આવેલી પરણીતાએ આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા મામલો બિચક્યો હતો. પંચવટી ચોક વિસ્તારમાં યોજાયેલી સમાધાન બેઠકમાં ઉશ્કેરાયેલા સામા પક્ષે પરણીતા અને તેના પરિવાર પર ધોકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો? સુરત રહેતી કિંજલબેન ચૌહાણે દોઢ વર્ષ પહેલાં પોતાની કૌટુંબિક ભાભી મનીષાબેન પરમારને ₹1.50 લાખ ઉછીના આપ્યા હતા. જેમાંથી ₹80,000 પરત મળ્યા હતા, પરંતુ બાકીના ₹70,000 બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. ગતરોજ કાકાના ઘરે આ મુદ્દે સમાધાન બેઠક યોજાઈ હતી. જેમાં વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા ફુવા ધીરુ સવજી પરમાર અને અન્ય ચાર વ્યક્તિએ ગાળાગાળી કરી કિંજલબેન, તેમના માતા-પિતા અને બહેન પર ધોકા વડે હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હુમલામાં ઘવાયેલા આખા પરિવારને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

