Gujarat

IRCTC દ્વારા સુરેન્દ્રનગરથી દક્ષિણ ભારત યાત્રાનું આયોજન

IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન હેઠળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન 12 મે, 2026 થી 22 મે, 2026 દરમિયાન 10 રાત્રિ અને 11 દિવસ માટે ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ પ્રવાસ કરાવશે.

આ યાત્રા રાજકોટથી શરૂ થશે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસીઓ માટે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર બોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર સ્ટેશનથી પણ મુસાફરો આ ટ્રેનમાં જોડાઈ શકશે.

આ 11 દિવસની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને દક્ષિણ ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો જેવા કે તિરુપતિ બાલાજી મંદિર, રામનાથસ્વામી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર, કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે. IRCTC દ્વારા દરેક સ્ટેશન પર આગમન અને દર્શનની ચોક્કસ રૂપરેખા તૈયાર કરાઈ છે, જેમાં તિરુપતિમાં રાત્રિ રોકાણ અને કન્યાકુમારીમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટ તથા ગાંધી મંડપમની મુલાકાતનો સમાવેશ થાય છે.

મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે. પ્રવાસીઓને મનોરંજન અને યાત્રાની વિગતો આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. આધુનિક કિચન કાર દ્વારા ટ્રેનમાં જ શુદ્ધ શાકાહારી ભોજન (બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર) તેમની સીટ પર પીરસવામાં આવશે.