Gujarat

ભાણેજે કરી મામાના ઘરમાં દાગીનાની ચોરી

​જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ સામે આવી છે કે, ફરિયાદીની સગી ભાણેજે જ પોતાની બહેનપણી સાથે મળીને મામાના જ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં બંને યુવતીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી છે.

​રોણકી ગામે રહેતા અને ખેતમજૂરી કરતા દિનેશભાઇ સોલંકીના મકાનમાં ગત તારીખ 12/04/2026ના રોજ દિવસ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જ્યારે પરિવાર કામ અર્થે બહાર હતો, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી સોનાનો હાર, પેન્ડલ સેટ, સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2,20,500ની મતાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

​પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ચોરીમાં જેતપુરની તનિષા કટારીયા અને વાડલા ગામની તૃપ્તિ ચાવડા સંડોવાયેલી છે. જેતપુર અને વાડલા ખાતે દરોડા પાડી પોલીસે બંને યુવતીઓની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવતીઓએ ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ પોલીસની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ સામે તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલી યુવતીઓ પૈકી તનિષા ફરિયાદી દિનેશભાઇની સગી ભાણેજ હોવાનું ખુલ્યું છે.