બહાર જમવાના શોખીનો માટે વધુ બે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં લેખિત ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારીએ ઓનલાઈન મંગાવેલી બ્રેડ-પાઉં વાસી અને ફૂગ વાળી નીકળી હતી. અધિકારીએ સ્ટોર પર હાજર વ્યક્તિને આ બાબતે વાત કરતા તેણે ગલ્લા-તલ્લા કર્યા હતા, જેથી અધિકારીએ 112 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગમાં રહેતા ડો. ધ્રુવ પટેલ તેમના મિત્ર સાથે વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં જમવા ગયા હતા. તેમણે પહેલા સલાડ ખાધું અને ત્યારબાદ પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જેવો પહેલો માર્ગેરીટા પિત્ઝા ટેબલ પર આવ્યો, તે ખાવા જતાં જ તેમાં મોટો વાળ જોવા મળ્યો હતો. સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિત્ઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી હતી.

