Gujarat

સાયબર ક્રાઈમનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

​જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

​ SOGની ટીમે દરોડો પાડીને અટકાયત કરી, આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તે અહીંથી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો છે તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેની પાસેથી અલગ-અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા ATM કાર્ડ્સ, 23 સીમકાર્ડ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે.