પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની જોરદાર ટક્કરે 55 વર્ષીય એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. ધારાપુર ગામના રહેવાસી બાબુભાઈ ગોધરાથી કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને વડોદરા રીફર કરાતાં રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગોધરાથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત શહેરા તાલુકાના ધારાપુર ગામે રહેતા બાબુભાઈ પોતાના અંગત કામ અર્થે એક્ટિવા લઈને ગોધરા આવ્યા હતા. કામ પૂરું કરીને તેઓ ગોધરાથી પોતાના ગામ ધારાપુર તરફ એક્ટિવા પર પાછા ફરી રહ્યા હતા. તે જ સમયે દલવાડા પાટિયા પાસે પહોંચતાં એક બેફામ સ્પીડે આવતા અજાણ્યા વાહને તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં બાબુભાઈને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને પ્રથમ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ નાજુક જણાતાં તબીબોએ તેમને વધુ ગહન સારવાર અર્થે વડોદરા રીફર કરવાનો નિર્ણય કર્યો હતો.

