Gujarat

સોનમ વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને

લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોએ પ્રતીક ધરણા શરૂ કરીને સોનમ વાંગચૂકની માગણીઓને વાચા આપી છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ (શિક્ષણ વ્યવસ્થા) સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા. અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોની જ કોઈ કદર ન થતી હોય, તો પછી સામાન્ય નાગરિકની કદર કોણ કરશે? દેશનું ભવિષ્ય સુધારવા માટે દરેક નાગરિકે ઘરમાંથી બહાર નીકળીને આ આંદોલનને સમર્થન આપવું જોઈએ.

‘દેશમાં શિક્ષણને માત્રને માત્ર પૈસા કમાવવાનું એક સાધન બનાવી દેવાયું’ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા સફુરા મકવાણાએ વર્તમાન શિક્ષણ પ્રણાલી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આજે દેશમાં શિક્ષણને માત્રને માત્ર પૈસા કમાવવાનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે, પરંતુ તેની સામે યોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવતું નથી.

બીજી તરફ, સરકારી શાળાઓની સ્થિતિ એવી છે કે ત્યાં પાયાની સુવિધાઓ કે યોગ્ય વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. જો દેશના બાળકોને સારું શિક્ષણ જ નહીં મળે, તો તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? આ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાનો આ યોગ્ય સમય છે.

વિદેશમાં તકો હોવા છતાં દેશ માટે લડતા વૈજ્ઞાનિકને કેમ ન્યાય નહીં? સોનમ વાંગચૂક અંગે વાત કરતા જણાવ્યું કે, તેઓ જેવા મહાન વૈજ્ઞાનિક પાસે વિશ્વનાં 5 દેશના વિઝા ઉપલબ્ધ છે. તેઓ ધારે તો વિદેશ જઈને આરામદાયક જીવન જીવી શકે છે. તેમ છતાં, તેઓ પોતાના દેશ માટે, લદ્દાખની ભૂમિ અને પર્યાવરણના રક્ષણ માટે ભૂખ હડતાલ પર બેઠા છે. જો આવા નિઃસ્વાર્થ વ્યક્તિ માટે પણ દેશની સરકાર અને તંત્ર આંખ આડા કાન કરતું હોય, તો તે અત્યંત શરમજનક બાબત છે. આપણા દેશના વડાપ્રધાન સુધી આ અવાજ પહોંચવો જોઈએ કે દેશનો યુવા વર્ગ હવે જાગૃત થઈ ગયો છે.