સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનને મળી લીલી ઝંડી
ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક મોટી જાહેરાત થઇ છે જેમાં હવે ટૂંક સમયમાં અમદાવાદના સાબરમતી– અને રાજસ્થાનના બીકાનેર વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને બીકાનેર વચ્ચે દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જે વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનમાં અનેક મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સ અને નવી ટ્રેન સેવાઓની શરૂઆત કરી છે. જેમાં જાેધપુર–દિલ્હી કૅન્ટ વંદે ભારત એક્સપ્રેસને ૨૦ કોચ સાથે ચલાવવાની મંજૂરી, સાબરમતી–જાેધપુર એક્સપ્રેસનું જેસલમેર સુધી વિસ્તરણ અને ભુજ–જાલોર–પાલી–દિલ્હી નવી ટ્રેન સેવાનો સમાવેશ થાય છે.
નવી ટ્રેન સેવા દ્વારા ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ તેમજ રાજસ્થાનના જાલોર, બાલોતરા, જાેધપુર, નાગૌર અને બીકાનેર જિલ્લાઓને સીધો લાભ મળશે. સાબરમતી બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જાેધપુર, ગોટન, મેઢતા રોડ, નાગૌર, નોખા, બીકાનેર અને લાલગઢ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી બીકાનેર–સાબરમતી એક્સપ્રેસ આશરે ૭૪૦ કિલોમીટરનું અંતર કવર કરશે. આ ટ્રેન શરૂ થતાં બંને રાજ્યો વચ્ચે દૈનિક એક્સપ્રેસ સેવા ઉપલબ્ધ બનશે, જેના કારણે મુસાફરોને વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે.
આ નવી ટ્રેન પશ્ચિમ ભારતના બે મહત્વપૂર્ણ પર્યટન ક્ષેત્રોને જાેડશે. ગુજરાતના સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીકી વાવ અને અમદાવાદની ઐતિહાસિક સંસ્કૃતિ સુધી પહોંચવું વધુ સરળ બનશે. સાથે જ રાજસ્થાનના કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ અને બીકાનેરના રણપ્રદેશ સહિતના પર્યટન સ્થળોની મુલાકાત પણ વધુ સુવિધાજનક બનશે.

