પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગલાભાઈ રાઠવાના મકાનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડા નીકળતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટર સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનામાં ગલાભાઈ રાઠવાના રહેણાંક મકાનને મોટાપાયે નુકસાન થયું હતું. આગને કારણે મકાનમાં રહેલી ઘરવખરી સહિત સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી કે જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ મકાનમાં આગ કયા કારણોસર લાગી અને કેટલું આર્થિક નુકસાન થયું તે અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી.

