Gujarat

ગોધરામાં પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી પુરુષ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026-27નો પ્રારંભ થયો છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)ના ઉપક્રમે અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યજમાનપદે 25થી 28 નવેમ્બર દરમિયાન આ સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં પાંચ રાજ્યોની 112 યુનિવર્સિટીઓના આશરે 600 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

પાંચ રાજ્યોની યુનિવર્સિટીઓની ટીમો ભાગ લઈ રહી છે યુનિવર્સિટીના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ સ્પર્ધામાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવાની વિવિધ યુનિવર્સિટીઓની ટીમો ભાગ લઈ રહી છે.

ઉદ્ઘાટન સમારંભમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. હરિભાઈ કાતરિયા અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે AIU-કેરળના નિરીક્ષક ડૉ. સુજીત એસ., સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. વસંત પટેલ અને એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પ્રોફેસર મહેશ છબડીયા હાજર રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન સમારંભ યોજાયો મહેમાનોના આગમન અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું સૂતરની આંટી અને રૂમાલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડૉ. વિકાસ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન આપી મહેમાનો, ખેલાડીઓ અને ટીમ મેનેજરોનું અભિવાદન કર્યું હતું.