Gujarat

જામનગરમાં વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય HADR કવાયતનું સફળ આયોજન થયું

ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તા. 17થી 19 નવેમ્બર, 2026 દરમિયાન બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief – HADR) કવાયત ‘સહાયતા સેતુ-2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનું આયોજન ભાગ લેનારી રાષ્ટ્રીય એજન્સીઓ અને 24 જેટલા

મિત્ર વિદેશી દેશો (Friendly Foreign Countries – FFCs)ના સંકલનથી કરવામાં આવ્યું હતું.

આ કવાયતનું સમાપન ગુરૂવારે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન (Multi-Agency Capability Demonstration – MACD) સાથે થયું હતું. જેમાં આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ દ્વારા સંકલિત રીતે હાથ ધરવામાં આવતી રાહત અને બચાવ કામગીરીની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગ લેનારા મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, ચીફ ઓફ એર સ્ટાફ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉધર્ન કમાન્ડ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સહિતના વરિષ્ઠ સૈન્ય તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.