ચોમાસાની ઋતુમાં દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ ની તરજીઓ સર્જી છે. દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે યમુના નદીનું જળસ્તર પણ ઝડપથી વધી રહ્યું છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ઓછા દબાણના ક્ષેત્ર અને પશ્ચિમ તરફ આગળ વધી રહેલી સિસ્ટમને લીધે આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં વરસાદનું જાેર યથાવત રહેશે. દક્ષિણ ભારતમાં પણ ચોમાસું પૂરજાેશમાં સક્રિય છે. હવામાન વિભાગે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જયારે મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. કુદરતી આપત્તિઓ અને ભારે વરસાદની આ સ્થિતિને કારણે પ્રશાસન દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને નદીઓ કે પહાડી વિસ્તારોથી દૂર રહેવાની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

