વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સ્પેશિયલ પોકસો કેસમાં સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપી રાહુલ માછીને દોષિત ઠેરવી કુલ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટ સમક્ષ રજૂ થયેલા મૌખિક, દસ્તાવેજી, તબીબી અને DNA પુરાવાઓના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
મિત્રના ઘરે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું જાન્યુઆરી 2024થી 31 ઓક્ટોબર 2024 દરમિયાન સગીરાને આરોપીએ પોતાના ઘરે તથા મિત્રના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા હતા અને સગીરા ગર્ભવતી બનાવી દીધી હતી. કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 87 હેઠળ આરોપીને 5 વર્ષની સખત કેદ અને રૂ.5 હજાર દંડ, જ્યારે પોક્સો એક્ટની કલમ 3(એ) સાથે કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ.10 હજાર દંડની સજા ફટકારી છે.
પીડિતાને રૂ.1.50 લાખનું વળતર ચૂકવવા હુકમ પોક્સો એક્ટની કલમ 5(એલ), 5(જે)(જે-2) સાથે કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.50 હજાર દંડની સજા કરવામાં આવી છે. કોર્ટે ભોગ બનનારને થયેલી શારીરિક તથા માનસિક પીડા અને ગર્ભાવસ્થા ટર્મિનેટ કરાવવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ, 2019 મુજબ રૂ.1.50 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

