સમગ્ર ગુજરાતમાં અદાણી સીએનજી ગેસમાં સીએનજીએ પ્રતિ કિલો ?૨નો વધારો ઝીંક્યો છે, જેના પગલે સીએનજીનો નવો ભાવ ?૯૦ પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો ખાસ કરીને મધ્યમ વર્ગ અને રિક્ષાચાલકો માટે નોંધપાત્ર આર્થિક બોજ વધારશે. છેલ્લા સાત મહિનામાં અદાણી સીએનજીના ભાવમાં કુલ ?૧૦નો વધારો થઈ ચૂક્યો છે, જે ઈંધણ ખર્ચમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.
આ ભાવવધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર પડશે. રિક્ષાચાલકો પોતાની રોજિંદી કમાણી માટે સીએનજી પર ર્નિભર હોય છે, પરંતુ ઈંધણના ભાવ વધે તેમ તેઓ પોતાના ભાડામાં વધારો કરી શકતા નથી. પરિણામે, તેમના નફાનું માર્જિન ઘટે છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. આ ઉપરાંત, ખાનગી કાર માલિકો અને ટેક્સી ચાલકોને પણ માસિક ખર્ચમાં વધારો થવાનો સીધો અનુભવ થશે.
સીએનજીને સસ્તા અને પ્રદૂષણમુક્ત ઈંધણ તરીકે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સસ્તું ઈંધણ અને સારું ઈંધણ તરીકે તેની છબી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પેટ્રોલ-ડીઝલથી સીએનજી વાહનો તરફ સ્થળાંતર કર્યું હતું. સારી એવરેજ અને ઓછા ખર્ચના આકર્ષણને કારણે સીએનજી વાહનોની લોકપ્રિયતા વધી હતી. જાેકે, છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સતત અને ઉત્તરોત્તર વધારો જાેવા મળી રહ્યો છે, જેના કારણે તેની સસ્તી ઈંધણ તરીકેની ઓળખ ભુંસાઈ રહી છે.
વર્તમાન ભાવવધારા બાદ સીએનજીનો ભાવ ?૯૦ પ્રતિ કિલો પહોંચ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ?૯૫ થી ?૯૭ અને કેટલાક વિસ્તારોમાં ?૧૦૦ની આસપાસ ચાલી રહ્યા છે. આનો અર્થ એ થયો કે સીએનજીના ભાવ હવે પરંપરાગત ઈંધણના ભાવની ખૂબ નજીક આવી ગયા છે, જેના કારણે સીએનજી વાપરવાનો મુખ્ય ફાયદો ઓછો થઈ રહ્યો છે.
મહત્વની વાત એ છે કે આ ભાવવધારો મુખ્યત્વે અદાણી સીએનજી દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અન્ય સીએનજી પ્રદાતાઓ, જેમ કે ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ, તેમના ભાવ હજુ પણ અદાણી સીએનજી કરતા ઓછા છે. અમદાવાદ જિલ્લામાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસના પંપ પર સીએનજીનો ભાવ આશરે ?૮૪ થી ?૮૫ પ્રતિ કિલો ચાલી રહ્યો છે, જ્યારે અદાણી સીએનજીનો ભાવ ?૯૦ પર પહોંચ્યો છે. આ ભાવ તફાવત દર્શાવે છે કે અદાણીના ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. આ સ્થિતિ અમદાવાદના સીએનજી રિક્ષાચાલકો અને કારચાલકો માટે વધુ મુશ્કેલી ઊભી કરશે, કારણ કે અમદાવાદમાં અદાણી સીએનજીના પંપ મોટી સંખ્યામાં છે.

