Gujarat

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: ૯ લોકોના મોત બાદ મુખ્ય આરોપીની ધરપકડ, ગેરકાયદે એકમ સીલ

શનિવારે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ૯ લોકોના મોત નીપજ્યા છે. ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટની તીવ્રતા એટલી તીવ્ર હતી કે આસપાસની ઓફિસો અને કેમેરાના કાચ પણ તૂટી ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ જાગેલા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર ચાલતા એકમોને સીલ કરી ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મુખ્ય આરોપી ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા અને તેની માતા તેમજ પાર્ટનર સાદીક સૈયદની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ પત્રકાર પરિષદ કરી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે, ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસે મુખ્ય આરોપી ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા અને તેની માતા તેમજ પાર્ટનર સાદીક સૈયદની ધરપકડ કરી છે. આ બન્ને લોકો પણ બ્લાસ્ટ થયો તે દરમિયાન ઘટનાસ્થળે હાજર હતા અને તેમને પણ ઇજા પહોંચી હતી. લાઈસન્સ ના હોવાથી માર્ચમાં આ ફેક્ટરીને બંધ કરાવવામાં આવી હતી. લાઈસન્સ રિન્યુ ના હોય તેવા ૧૨ એકમોને પણ બંધ કરાવવામાં આવ્યા હતા. લાઈસન્સ રિન્યુ વગર જ ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી.

આ ઘટના મામલે રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં જ્યારે બ્લાસ્ટ થયો તે સમયના દ્રશ્યો નજીકની કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે નજીકની ઓફિસોના કાચ તૂટી ગયા હતા અને સીસીટીવી કેમેરાના કાચને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.

દુર્ઘટનામાં ૯ લોકોના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર), પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. રામોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ૨ ફટાકડાના એકમોને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા છે.

આ સ્થળો પરથી મળી આવેલો ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરી, તેના પર પાણી નાખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ બે એકમો સિવાય હાલ નારોલ (દક્ષિણ ઝોન) સહિતના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મણીનગર વિસ્તારમાં આવેલ એલ.જી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા દર્દીઓ અને મૃતકોના સગા-સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. અન્ય ૮ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો વાલીવારસોને સોંપાયા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે.

દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતકોની યાદી:-

રિન્કુ ભરતભાઈ ચારેલ (ઉંમર: ૧૬ વર્ષ)
રવિના ભરતભાઈ ચારેલ (ઉંમર: ૧૪ વર્ષ)
શિવાની ભરતભાઈ ચારેલ (ઉંમર: ૧૪ વર્ષ)
રમિલાબેન ભરતભાઈ ચારેલ (ઉંમર: ૩૭ વર્ષ)
વિરલ ઉર્ફે નીરવ ભરતભાઈ ચારેલ (ઉંમર: ૦૬ વર્ષ)
સવિતાબેન સુરેશભાઈ ડામોર (ઉંમર: ૩૮ વર્ષ)
ઉષાબેન ગોવિંદભાઈ ધીમાભાઈ ડામોર (ઉંમર: ૪૫ વર્ષ)
મોહમ્મદ અશરાર ઇરફાન અલી સૈયદ (ઉંમર: ૨૦ વર્ષ)
અઝરુદ્દીન રુકનુદ્દીન કાઝી (ઉંમર: ૨૫ વર્ષ)