જામનગરમાં મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારી પર થયેલા હુમલાના બનાવના બીજા જ દિવસે મનપા દ્વારા દબાણ હટાવવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ અને બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના મુખ્ય વિસ્તારોમાં આ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની આ આક્રમક ઝુંબેશના કારણે રસ્તા પર ગેરકાયદે દબાણ કરતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણો દૂર કરાયા દિવાળીના તહેવારો નજીક હોવાથી બજારોમાં ખરીદી માટે નાગરિકોની ભારે અવરજવર અને ભીડ જોવા મળી રહી છે. રસ્તાઓ પર રેકડીઓ અને પથારા ખડકાઈ જવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ધ્યાને રાખીને મનપાની ટીમે સવારે જ ઓપરેશન હાથ ધરીને રસ્તા પર અડચણરૂપ બનતા તમામ દબાણો દૂર કરવાની કવાયત શરૂ કરી હતી.

દબાણ હટાવ નિરીક્ષકો સહિત મોટો કાફલો જોડાયો આ સમગ્ર કાર્યવાહીમાં દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલા સહિતના અન્ય નિરીક્ષકો તથા 35થી વધુ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો. મનપાની ટીમે રસ્તા પર અડચણરૂપ રેકડી, પથારા, પૂતળાં, શાકભાજીના કેરેટ, છત્રી-કાંટા તેમજ અન્ય સામાન હટાવીને કબ્જે લેવાની કામગીરી હાથ ધરી હતી.

