દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત અને સંકટ વચ્ચે ઊર્જા વપરાશ માટે કરવામાં આવેલી અપીલને અનુસરીને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ યુનિવર્સિટી કેમ્પસમાં દર સોમવારે નો વ્હીકલ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
MSUમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ ઉજવાશે આ પહેલનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો, ઈંધણ બચત અંગે જાગૃતિ ફેલાવવી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારને પર્યાવરણ સંરક્ષણ તરફ પ્રેરિત કરવાનો છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓમાં ઈંધણ સંરક્ષણ માટે આપવામાં આવેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાઇકલ, પગપાળા આવવા અનુરોધ આ પહેલ અંતર્ગત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને દર સોમવારે કેમ્પસમાં વાહન લાવવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી સાઇકલ, પગપાળા ચાલવું, જાહેર પરિવહન અથવા કારપૂલિંગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાના પરંતુ અર્થપૂર્ણ સામૂહિક પ્રયાસો દ્વારા રાષ્ટ્રીય બચત, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી તરફ નોંધપાત્ર યોગદાન આપી શકાય છે.

