Gujarat

ભવનાથ અશોક શિલાલેખ પાસે ફરી સાત સિંહોની શાહી લટાર

​જૂનાગઢમાં વન્યપ્રાણીઓની માનવ વસ્તી તરફ આવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે તાજેતરમાં જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા અશોક શિલાલેખ પાસે સાત સિંહોનો આખો પરિવાર શાહી લટાર મારતો નજરે પડ્યો છે. વહેલી સવારે સિંહ પરિવારની આ લટારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

​વહેલી સવારના અશોક શિલાલેખ પાસે સિંહ પરિવાર રસ્તા પર આવી ચડ્યો હતો. સિંહોને આ પ્રકારે ખુલ્લા રસ્તા પર લટાર મારતા જોઈને ત્યાંથી પસાર થતા વાહનોના વ્હીલ થંભી ગયા હતા અને વાહનચાલકોએ સલામતી ખાતર પોતાના વાહનો રોકી દીધા હતા. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તાર એટલે કે અશોક શિલાલેખ નજીક સિંહ પરિવાર નજરે પડ્યો હતો, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી રહી છે.

​ગિરનાર જંગલ વિસ્તારમાં 54 થી વધુ સિંહોનો વસવાટ છે. જંગલની હદ પૂરી થતી હોય અને રેવન્યુ વિસ્તાર શરૂ થતો હોય ત્યાં અવારનવાર સિંહો પોતાના શિકારની શોધમાં કે અન્ય કારણોસર જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ કે નાગરિક વસ્તીવાળા વિસ્તારોમાં આવી ચડતા હોય છે. સિંહોની આ પ્રકારની લટારથી એક તરફ રોમાંચ જોવા મળે છે તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ પણ ઊભો થતો હોય છે.