થોડા દિવસ અગાઉ શહેરના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. સાત દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટમાં કુલ ૧૦ લોકોના કરુણ મોત થયા હતા, જેમાં ચાર સગીરોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી.
આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવવાના મામલે અનેક પાસાઓની તપાસ કરી છે. સરકાર પક્ષના જણાવ્યા મુજબ હજુ પણ તપાસ પૂર્ણ થઈ નથી અને આરોપીઓના અન્ય ભાગીદારો, અન્ય કોઈ ગેરકાયદેસર ફેક્ટરી અથવા દારૂખાનાનો જથ્થો અન્યત્ર સંતાડ્યો છે કે નહીં તેની તપાસ ચાલુ છે. સાથે જ આરોપીઓના મોબાઇલ ફોન રિકવર કરી કોલ ડેટા રેકોર્ડના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
સરકારી વકીલે અગાઉ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન, ડિજિટલ પુરાવા અને સમગ્ર ષડયંત્રની તપાસ માટે પોલીસ કસ્ટડી જરૂરી હતી. તપાસ દરમિયાન એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે પરવાનગી વગર વર્ષોથી ચાલતી આ ફેક્ટરી અંગે કોઈ છસ્ઝ્ર અધિકારીની સંડોવણી હતી કે નહીં.તપાસમાં વધુ એક ગંભીર પાસું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં પણ સહ-આરોપી રમીલા ડોડિયાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે સમયે ફેક્ટરી બંધ કરાયા બાદ પણ ફરીથી જરૂરી પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ બાબતે સરકારી વકીલ ભરત બારોટે જણાવ્યું હતું કે આ કેસમાં હજુ અનેક મહત્વપૂર્ણ કડીઓ જાેડવાની બાકી છે. આરોપીઓના અન્ય સાગરિતો, ગેરકાયદેસર ફટાકડાના જથ્થા, ડિજિટલ પુરાવા તેમજ સંભવિત અધિકારીઓની ભૂમિકાની તપાસ ચાલુ છે. તપાસના આધારે જરૂર પડશે તો વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ કેસમાં હાલ ત્રણેય મુખ્ય આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે રામોલ પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર કાવતરાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

