Gujarat

અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યો મોટો ચુકાદો!!

૨૦૧૯મ એલ.જી હોસ્પિટલ કેમ્પસમાં ઘૂસીને હત્યા કરવાના કેસમાં ૬ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

કોર્ટે ૪૮ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી પુરાવાઓના આધારે ૬ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી

વર્ષ ૨૦૧૯માં શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ એલ.જી હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસીને કરવામાં આવેલી સનસનીખેજ હત્યાના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ૪૮ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી પુરાવાઓના આધારે ૬ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ કેસ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯માં રામોલ વિસ્તારમાં થયેલા ઝઘડામાં રમીઝ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે તેને મણિનગરની ન્ય્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.આ જ ઝઘડામાં સામા પક્ષનો અમીર શેખ પણ ઇજાગ્રસ્ત થતાં તેને પણ ન્ય્ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન રમીઝના પક્ષના સાગરીતો હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને ઘાતક હથિયારો વડે અમીર શેખ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં અમીર શેખનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ હુમલાથી હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી હતી. હોસ્પિટલના સ્ટાફ તેમજ ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ પહોંચી હતી. જાહેર હોસ્પિટલમાં બની આવેલી આ ઘટના રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

આ કેસ મામલે સરકારી વકીલ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ કેસમાં આરોપી અનવર શેખ, મુબારક શેખ, વસીમખાન પઠાણ, નાસીરખાન પઠાણ, અરબાઝ શેખ અને આવેશ હુસેન શેખને હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી ૪૮ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીઓનો ગુનો સાબિત માન્યો અને હોસ્પિટલ જેવા જાહેર સ્થળે થયેલા આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને ૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓ પર હિંસા કરનાર તત્વો માટે કડક સંદેશ સમાન છે.