Gujarat

11 મહિનાની બાળકી રમતા રમતા કાનની બુટ્ટી ગળી ગઈ

સુરત શહેરના પનાસગામ વિસ્તારમાં એક ચોંકાવનારી પરંતુ તબીબોની ભારે જહેમત બાદ સુખદ અંત લાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારની માત્ર 11 માસની માસૂમ બાળકી રમતાં-રમતાં કાનની બુટ્ટી ગળી ગઈ હતી, જે તેના ગળામાં (અન્નનળી) ફસાઈ ગઈ હતી. બાળકીની હાલત કફોડી થતાં પરિવારે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સિવિલના કાન-નાક-ગળા (ENT) વિભાગના તબીબોએ અદભૂત તબીબી કૌશલ્ય દાખવી કોઈપણ પ્રકારની કાપકૂપ કે ચીરો મૂક્યા વગર, દૂરબીનની મદદથી આ બુટ્ટી સફળતાપૂર્વક બહાર કાઢી બાળકીને નવજીવન આપ્યું છે.

રમતાં-રમતાં બાળકી બુટ્ટી ગળી ગઈ પનાસગામના એસ.એમ.સી. (SMC) આવાસમાં રહેતા અને સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિક્કીભાઈ બોકેની 11 માસની દીકરી ગુરુવારે સવારે ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકી અચાનક કાનની બુટ્ટી ગળી ગઈ હતી.

બુટ્ટી ગળામાં ફસાઈ જતાં બાળકી ગૂંગળામણના કારણે જોરજોરથી રડવા લાગી હતી. બાળકીની તબિયત બગડતાં ચિંતાતુર બનેલા પરિવારજનો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. સિવિલના ઈ.એન.ટી. વિભાગના તબીબોએ સમયસૂચકતા વાપરી તુરંત જ બાળકીનો એક્સ-રે કરાવ્યો હતો, જેમાં બાળકીની અન્નનળીમાં ધાતુની બુટ્ટી ફસાયેલી હોવાનું સ્પષ્ટ દેખાયું હતું.

બાળકીની ગંભીર સ્થિતિને જોતાં તેને તાત્કાલિક બપોરે ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવી હતી. ઈ.એન.ટી. વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ડો. નવનીત મકવાણા, ડો.મૃત્યુંજય ધામા અને એનેસ્થેસિયા વિભાગના ડો.તેજલ ચૌધરી સહિતની ટીમ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું.

બાળકી નાની ઉંમરની હોવાથી સર્જરી પડકારજનક હતી, પરંતુ ડોક્ટરોની ટીમે ગળામાં કોઈ પણ પ્રકારનો ચીરો પાડ્યા વિના આધુનિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. તબીબોએ એન્ડોસ્કોપી (દૂરબીન) પદ્ધતિથી ગળામાં ચીપિયો નાખીને અડધાથી પોણા કલાકની ભારે જહેમત બાદ કાનની બુટ્ટી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સર્જરી સફળ રહેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.