Gujarat

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હોવાથી મૃતક બહેનના નામે ખોટો સંમતિ કરાર તૈયાર કરી ભાઈએ વળતર લઈ લીધું

જમીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હતી. જેમાં મૃતક મહિલાના નામે તેમના ભાઈએ ખોટો સંમતિ કરાર તૈયાર કરી જમીન સંપાદનના વળતરની 2.62 કરોડ રૂપિયાની રકમ ગેરરીતી કરીને મેળવી લીધી હતી. આ મામલે મૃતક મહિનાના પુત્રએ તેમના મામા સહિત 5 લોકો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં રહેતા લાલજીભાઈ સોમાભાઈ પઢીયાર (ઉ.વ. 47) એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા સોમાભાઈનું વર્ષ 2007માં અને માતા સુરજબેનનું 2023માં અવસાન થયું હતું. તેમના માતા સુરજબેન અને સૂરજબેનના પિતા ખુશાલભાઈ ભલાભાઈ પરમારની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની શેરખી ગામે આવેલી સર્વે નં. 377/8ની જમીનમાં કાયદેસરના વારસદાર હતા.

આ જમીનનો એક ભાગ વર્ષ 2017માં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે માટે સંપાદિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં પ્રથમ તબક્કાના વળતર તરીકે 3.26 કરોડ રૂપિયાથી વધુની રકમ ફરિયાદીના મામા છત્રસિંહ ખુશાલભાઈ પરમારે પોતાના બેંક ખાતામાં મેળવી લીધા હતા. ફરિયાદીનો દાવો છે કે, તે સમયે તેમની માતાને કે, પરિવારને આ રકમમાંથી એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહોતો.

ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ બીજા તબક્કાના વળતર તરીકે 2.62 કરોડ રૂપિયાથી વધુની રકમ ચુકવવાની પ્રક્રિયા દરમિયાન ફરિયાદીની માતાનું તા. 10 જાન્યુઆરી, 2023ના રોજ અવસાન થઈ ચૂક્યું હોવા છતાં તેમના નામે તા. 19 જુલાઈ, 2024ના રોજ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર સંમતિ કરાર તૈયાર કરવામાં આવ્યો હતો.

આ સંમતિ કરારમાં મૃતક સુરજબેનનો ફોટોગ્રાફ, અંગૂઠાના નિશાન તેમજ નોટરીની નોંધ દર્શાવવામાં આવી હતી. મૃતક મહિલાના નામે ખોટા અંગૂઠાના નિશાન કરી બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂ કરીને વળતરની 2.62 કરોડ રૂપિયાથી વધુની રકમ છેતરપીંડીપૂર્વક મેળવી લીધી હતી.