ક્રાઇમ બ્રાંચ 1998થી એટલે કે છેલ્લા 28 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી લાલસીંગ તુલારામ નીસાદ (ઉં.વ. 43) ને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં હીરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરવાનો કેસ નોંધાયો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 28 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં પોતાની ઓળખ છુપાવીને દિલ્હીમાં આશરો લઈ રહ્યો હતો, જેને ક્રાઈમ બ્રાંચની આર્મ્સ સ્કોડે બાતમીના આધારે દિલ્હીમાં 3 દિવસનું અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધરીને દબોચી લીધો છે.
ચોરીની 28 વર્ષ જૂની ઘટના અને પોલીસની સતર્કતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો સતત કાર્યરત છે.
આ અંતર્ગત ક્રાઈમ બ્રાંચના આર્મ્સ સ્કોડના પોલીસ અધિકારીઓ અને જવાનોને એક અત્યંત મહત્વપૂર્ણ અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે વર્ષ 1998ની સાલમાં સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી/નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલ એક રીઢો આરોપી કાયદાના સિકંજાથી બચવા માટે દેશની રાજધાની દિલ્હી ખાતે છુપાઈને રહી રહ્યો છે અને ત્યાં નાની-મોટી મજૂરી કે અન્ય કામ કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યો છે. આ બાતમી મળતા જ પોલીસ તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું.
દિલ્હીમાં 3 દિવસનું ગુપ્ત ઓપરેશન મળેલી સચોટ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની એક ખાસ પ્રશિક્ષિત ટીમ તાત્કાલિક અસરે દિલ્હી જવા રવાના કરવામાં આવી હતી. દિલ્હી જેવા ગીચ અને વિશાળ મહાનગરમાં આરોપીને શોધવો એ એક મોટો પડકાર હતો. પરંતુ, પોલીસ ટીમે હિંમત હાર્યા વગર સ્થાનિક સ્તરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીના ચોક્કસ રહેઠાણ અને અવરજવર વાળા વિસ્તારની ઓળખ કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હીમાં સતત 3 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવીને અત્યંત ગુપ્ત ઓપરેશન (Secret Operation) હાથ ધર્યું હતું. અંતે યોગ્ય તક મળતા જ વોન્ટેડ આરોપી લાલસીંગ તુલારામ નીસાદને કોર્ડન કરીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો હતો.

