સુરત ગ્રામ્ય પોલીસના ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કડોદરા GIDC પોલીસે બાતમીના આધારે બારડોલી-સુરત હાઈવે પર મગનવાડી સામે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ બેગ સાથે પસાર થતા બે યુવાનોને રોકી તપાસ કરતા તેમની પાસેથી 12.528 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ 22 વર્ષીય કમલેશસિંહ રાવત અને 23 વર્ષીય દિનેશસિંહ રાવત તરીકે થઈ છે, જેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 6.26 લાખની કિંમતનો ગાંજો, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 6,42,020નો મુદ્દામાલ કબજે કર્યો છે. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
ઓડિશા અને અમદાવાદના કનેક્શન ખુલ્યા, બે વોન્ટેડ તત્વોની શોધખોળ તેજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ રેકેટના અન્ય સભ્યોના નામ પણ સામે આવ્યા છે. જેમાં ઓડિશાથી ગાંજો સપ્લાય કરનાર રાજુ નાયક અને આ જથ્થો મંગાવનાર અમદાવાદના સાહિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસની અલગ-અલગ ટીમો આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

