જામનગર શહેરના શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું છે. રાજ પાર્ક પાછળ આવેલા આ વિસ્તારમાં સ્થાનિકોની ફરિયાદ બાદ જીવદયા પ્રેમીઓ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી.
ઘરમાં ભૂંડની કતલ, સાધનો પણ મળી આવ્યાં છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાની અને ભૂંડની કતલ થતી હોવાની શંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તેમની રજૂઆત બાદ જીવદયા પ્રેમીઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. મકાનની તપાસ કરતા અંદર ભૂંડની કતલ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી કતલ માટે વપરાતા સાધનો પણ મળી આવ્યા હતા.
સંચાલકોએ કતલખાનું કાયદેસર ચાલતું હોવાનું ઠસાવવાના પ્રયાસો કર્યા પ્રાથમિક તપાસમાં સંચાલકો દ્વારા જામનગર મહાનગરપાલિકામાં કરાયેલી અરજીની નકલ રજૂ કરીને આ પ્રવૃત્તિને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, રહેણાંક વિસ્તારમાં આવા કતલખાનાનું સંચાલન કાયદેસર છે કે કેમ, તે અંગે પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ ચાલી રહી છે.
સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ચલાવવાથી સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ ઉપરાંત, સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનો પણ ભંગ થાય છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

