Gujarat

વેજલપુરમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા પર વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. વરસાદના કારણે મકાન તૂટી પડતાં તેનો કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે જાહેર માર્ગ પરની અવરજવર સદંતર બંધ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચોમાસાની ઋતુ અને વરસાદને કારણે લોકો ઘરોમાં હોવાથી તેમજ રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલાં પણ માળી ફળિયામાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.

વેજલપુર ગામમાં વર્ષોથી અનેક જૂના અને જર્જરિત મકાનો ભયજનક સ્થિતિમાં ઊભા છે. આ મકાનો ગમે ત્યારે પવન કે સામાન્ય વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

આ જર્જરિત મકાનો પાસેથી દરરોજ નાના બાળકો, મહિલાઓ અને અસંખ્ય નાગરિકો પસાર થાય છે. સ્થાનિક રહીશોએ વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આવા ભયજનક મકાનોને તાકીદે ઉતારી લેવામાં આવે.