ગીર-ગઢડા તાલુકાના ફુલકા ગામમાં એક દીપડી માતાજીના મઢમાં ઘૂસી ગઈ હતી. મહિલા સરપંચના પ્રતિનિધિ જાદવભાઈ બાબુભાઈ વાઘેલાએ મઢનો દરવાજો ખોલતા જ દીપડી સામે આવી ગઈ હતી. તેમણે હિંમત દાખવી સમયસૂચકતાથી દરવાજો બંધ કરી પોતાનો જીવ બચાવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જાદવભાઈ વાઘેલા મઢનો દરવાજો ખોલવા ગયા ત્યારે અંદર દીપડી બેઠેલી જોવા મળી હતી. જાદવભાઈને જોતા જ દીપડી તેમની તરફ આગળ વધવા લાગી હતી. જોકે, તેમણે ગભરાયા વિના ધીમે ધીમે પાછળ હટી મઢની બહાર આવી તાત્કાલિક દરવાજો બંધ કરી દીધો હતો.
આ ઘટના બાદ જાદવભાઈએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડી મઢમાં સુરક્ષિત રીતે બંધ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે મઢના દરવાજા સામે પાંજરું ગોઠવ્યું હતું.
દીપડી પાંજરામાં ન પુરાતા અંતે વેટરનરી તબીબની મદદ લેવામાં આવી હતી. દીપડીને બેભાન કર્યા બાદ આશરે 4 થી 5 કલાકની જહેમત બાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. ત્યાર બાદ દીપડીને વધુ તપાસ અને આરોગ્ય નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

