સલાયાના ગૌસેવક અને સમાજસેવી હરીશભાઈ મથુરાદાસ ગોંડિયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અબોલ પશુઓની સેવા કરતા આ વૃદ્ધે પોતાના બચત ખાતામાંથી કુલ ₹32,500 ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે સલાયામાં ચર્ચા જાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે હરીશભાઈને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે બીમારી અને હોસ્પિટલના કામનું બહાનું બતાવી, મેસેજની આપલે દ્વારા તેમના બેંક બચત ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹32,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફ્રોડ કરનારે હરીશભાઈની લાગણીઓનો દુરુપયોગ કર્યો હતો.
હરીશભાઈ ગોંડિયા વર્ષોથી ગાયો, કૂતરાઓ અને અન્ય પશુઓની સેવા કરે છે. તેમણે અડધો દાયકા સુધી માધ્યમિક શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપ્યું છે. નગરપાલિકામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનો સંપૂર્ણ સમય ગૌસેવા અને અબોલ પશુઓની સેવામાં વિતાવે છે. આ ફ્રોડ થયા બાદ હરીશભાઈએ તાત્કાલિક સલાયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે સાયબર વિભાગમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. સાયબર પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કરી દીધો છે.

