Gujarat

રાજકોટની એમજી હોસ્ટેલ ખાતે ‘ન્યાય આપો, ન્યાય આપો’ સહિતનાં નારા લાગ્યા, માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અને સમાજ કલ્યાણ વિભાગ હેઠળ સંચાલિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય (એમજી હોસ્ટેલ) ખાતે વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનની અત્યંત નબળી ગુણવત્તા અને તેમાં વારંવાર જીવાતો નીકળવાની ગંભીર બાબતને લઇને વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પણ ભૂખ હડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓ દ્વારા ‘ન્યાય આપો, ન્યાય આપો’ના નારા લગાવી હોસ્ટેલ કેમ્પસ ગુંજવી મૂકવામાં આવ્યું હતું. માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આ છાત્રાલયમાં 300 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. અહીં કેન્ટીનનું સંચાલન આશાપુરા કેટરર્સને સોંપવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે છેલ્લા 10 થી 15 દિવસથી જમવામાં નબળી ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે પણ જીવાત નીકળતા ફૂડ શાખા દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. અઠવાડિયામાં જ બે વખત ભોજનમાંથી ઈયળો, ધનેડા અને જીવડાં નીકળ્યા હોવાનો વિદ્યાર્થીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે.

ગઈકાલે સાંજે પણ ભોજનમાંથી જીવાત નીકળતાં વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી. અને તેઓ જમવાનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. આ વિદ્યાર્થીઓ છેલ્લા 15 કલાક કરતાં પણ વધુ સમયથી માત્ર પાણી પીને ભૂખ હડતાળ પર બેઠા છે.