ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ દ્વારા 12 જૂન, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતેના આઇસ્ટાર કોલેજના સેમિનાર હોલમાં એક વિશેષ એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ ઉપયોગી વૈજ્ઞાનિક વિષયો પર જાગૃતિ લાવવાનો હતો. આ એક્સપર્ટ ટોક સવારે 11 થી બપોરે 12:30 કલાક દરમિયાન ‘ડી.એ.ઈ. ટેકનોલોજી ફોર સોશિયલ એપ્લિકેશન’ વિષય પર યોજાઈ હતી.
આ પ્રેરણાદાયી વ્યાખ્યાનમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. રવિન્દ્ર બંસલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બંસલ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE) હેઠળ વિકસિત અદ્યતન ટેકનોલોજી અને સામાજિક કલ્યાણ માટે તેની ઉપયોગિતાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે.
તેમણે પોતાના વક્તવ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે ડી.એ.ઈ. ટેકનોલોજીની ભૂમિકા, આરોગ્ય સંભાળ, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સામેના પગલાં તેમજ ઉદ્યોગો, સામગ્રી અને નવીનતા જેવા મુખ્ય પાસાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, તેમણે સંશોધકોને ટેકનોલોજી ટ્રાન્સફર અને ઉદ્યોગસાહસિકતાની તકો વિશે પણ માહિતગાર કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન, BARCના વૈજ્ઞાનિક ડૉ. રવિન્દ્ર બંસલે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ સાથે સદભાવના મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ડૉ. બંસલે BARC અને CVM યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ સ્તરીય ઇન્ટર્નશીપ, સંશોધન ક્ષેત્રે જોઇન્ટ રિસર્ચ અને રોજગારી માટે પ્લેસમેન્ટ જેવી બાબતો પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.

